ભુજ કોર્ટમાં ગંભીર ઘટના પછી પ્રિન્સિપાલ જજે બેઠક યોજી:સુરક્ષા વધારવા અને એક સપ્તાહમાં તપાસ પૂરી કરી ચાર્જશીટ રજૂ કરવા આદેશ
ભુજ સેશન્સ કોર્ટમાં ગઈકાલે બનેલી ગંભીર ઘટનાને જિલ્લા ન્યાયતંત્રએ ગંભીરતાથી લીધી છે. આ ઘટના પછી ભુજના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડાએ આજે સવારે પોતાની ચેમ્બરમાં એક ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોર્ટ પરિસરની સુરક્ષા, ઘટનાની તપાસ અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે વિશે ચર્ચા થઈ. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડાના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયન અને ભુજ બાર એસોસિએશનના પ્રમુખ સચિન ગોર હાજર રહ્યા હતા. તેમની સાથે કોર્ટ સાથે જોડાયેલા અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. બેઠકમાં કોર્ટની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને ગઈકાલની ઘટનાનો કાયદેસર અને ઝડપી ઉકેલ લાવવા માટે જરૂરી સૂચનો અપાયા. ઘટના સમયે તરત દખલગીરી કરીને પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવવા અને એક વ્યક્તિનો જીવ બચાવવા બદલ ઈન્ચાર્જ એસ.પી. એમ.જે. ક્રિશ્ચિયનની કામગીરીના વખાણ થયા. બેઠકમાં નોંધ લેવાઈ કે તેમની સમયસરની કામગીરીને કારણે ગંભીર પરિણામ ટળી ગયું. બેઠકમાં ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસને સામાન્ય કેસની જેમ નહીં, પણ ખાસ કેસ તરીકે કરવા સૂચના અપાઈ. તપાસ પ્રક્રિયા ઝડપી બનાવીને એક સપ્તાહની અંદર પૂરી તપાસ કરીને ચાર્જશીટ રજૂ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું. સાથે જ, કેસની કોર્ટ કાર્યવાહી પણ ઝડપથી આગળ વધે અને આવા બનાવોમાં કાયદાનો અસરકારક દાખલો બેસે તે દિશામાં કામ કરવા પણ સૂચના અપાઈ. આ ઉપરાંત, કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ વિસ્તારમાં આવેલા બધા ન્યાયાલયોમાં સુરક્ષા વ્યવસ્થાની ફરી તપાસ કરવા, કડક ચેકિંગ રાખવા અને અનિચ્છનીય વ્યક્તિઓ કે વસ્તુઓ કોર્ટ પરિસરમાં ન પ્રવેશે તેની પૂરી કાળજી રાખવા જણાવાયું. કોર્ટમાં ન્યાયાધીશો, સરકારી અને ખાનગી વકીલો, અધિકારીઓ-કર્મચારીઓ, પક્ષકારો અને મહિલાઓ સહિત દરેક વ્યક્તિની સલામતી જળવાઈ રહે તે માટે જરૂરી બધા સુરક્ષા પગલાં તરત અમલમાં મૂકવા બેઠકમાં ખાસ સૂચના અપાઈ.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0