રમતા-રમતા 7 મહિનાની બાળકી LED લાઇટ ગળી જતાં શ્વાસનળીમાં ફસાઈ:વાયર સાથેની લાઈટને ચીરા વગર દૂરબીનથી બહાર કઢાઈ, સુરત સિવિલના તબીબોની કમાલ
તાપીના વ્યારામાં રહેતા એક શ્રમજીવી પરિવારની 7 માસની માસૂમ બાળકી સાથે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ઘરમાં રમતા-રમતા બાળકી રમકડાના મોબાઇલ ફોનમાં લાગેલી વાયર સહિતની નાની LED લાઇટ ગળી જતાં તે સીધી શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી. ગંભીર હાલતમાં બાળકીને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં કાન-નાક-ગળા વિભાગના નિષ્ણાત તબીબોએ કોઈપણ પ્રકારના કાપકૂપ કે ચીરા વગર અદ્યતન ટેક્નિકથી સફળ ઓપરેશન પાર પાડી બાળકીને નવજીવન આપ્યું છે. બાળકી સતત રડવા લાગતાં પરિવારે વ્યારાથી સુરત હોસ્પિટલ લાવ્યા
વ્યારા ખાતે રહેતા શ્રમિક પરિવારની 7 માસની દીકરી બુધવારે(16 સપ્ટેમ્બર) સાંજે ઘરમાં રમી રહી હતી. તે દરમિયાન રમકડાના મોબાઇલમાંથી નીકળેલી વાયર સાથેની લાઇટ તેણે મોઢામાં મૂકી ગળી લીધી હતી. આ બાબતની જાણ થતાં જ પરિવારજનો ગભરાઈ ગયા હતા. વાયર સાથેની લાઇટ શ્વાસનળીમાં ફસાઈ જતાં બાળકી શ્વાસ લેવામાં તકલીફ અનુભવવા લાગી અને સતત રડવા માંડી હતી. બાળકીની કફોડી હાલત જોઈ પરિવારજનો તેને તાત્કાલિક વ્યારાની સ્થાનિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સ્થિતિ ગંભીર જણાતાં પ્રાથમિક સારવાર બાદ મોડી રાત્રે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી. CT સ્કેનમાં શ્વાસનળીની ડાબી બાજુ LED લાઇટ ફસાયેલી જોવા મળી
સુરત સિવિલમાં બાળકીને દાખલ કરતાની સાથે જ ENT વિભાગના તબીબો હરકતમાં આવ્યા હતા. બાળકીનો તાત્કાલિક એક્સ-રે અને સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે બાળકીની શ્વાસનળીની ડાબી બાજુ અઢીથી ત્રણ સેન્ટીમીટર લાંબી વાયર સાથેની LED લાઇટ અટવાયેલી છે. વિદેશી પદાર્થ શ્વાસનળીમાં હોવાથી બાળકીના જીવ પર જોખમ તોળાતું હતું, જેથી મોડી રાત્રે જ બાળકીને ઇમરજન્સી ઓપરેશન થિયેટરમાં ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. ચીરા વગર રિજિડ બ્રોન્કોસ્કોપી પદ્ધતિથી 1 કલાકમાં બહાર કઢાઈ
સિવિલના ઈએનટી વિભાગના ડો. યુ. એન. પટેલ, સિનિયર રેસિડેન્ટ ડો. વિમ્મી બંદરિયા તથા એનેસ્થેસિયા વિભાગના ડો. શ્વેતા પટેલ સહિતની ટીમે બાળકીનું ઓપરેશન હાથ ધર્યું હતું. તબીબોએ બાળકીના ગળા પર કોઈ ચીરો મૂકવાને બદલે અદ્યતન ટેક્નિક રિજિડ બ્રોન્કોસ્કોપી અપનાવી હતી. દૂરબીનની મદદથી ગળા વાટે ખાસ ચીપિયો અંદર ઉતારીને અંદાજે એક કલાક સુધી ચાલેલી જટિલ સર્જરી બાદ વાયર સહિતની લાઈટ હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. સફળ સર્જરી બાદ પરિવારે હાશકારો અનુભવ્યો હતો. સમયસર સારવાર ન મળી હોત તો શ્વાસનળીમાં કાણું પડી જાત
ENT વિભાગના સિનિયર રેસિડેન્ટ ડો. વિમ્મીએ જણાવ્યું હતું કે, બાળકી ઘણી નાની હોવાથી આ કેસ અત્યંત જોખમી હતો. જો પરિવારજનો સમયસર તેને હોસ્પિટલ ન લાવ્યા હોત તો ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ શકત. વાયર અને લાઇટના ઘર્ષણથી શ્વાસનળીમાં કાણું પડવાની કે શ્વાસ રુંધાઈ જવાની પૂરી શક્યતા હતી, જેનાથી બાળકીને વેન્ટિલેટર પર મૂકવી પડત અથવા જીવ પણ જોખમમાં મુકાઈ જાત. સમયસર ઓપરેશન થઈ જતાં બાળકી સંપૂર્ણ ભયમુક્ત છે. શ્રમિક પરિવારના ₹70 હજાર બચ્યા, સિવિલમાં તદ્દન મફત ઓપરેશન
આ પ્રકારની જટિલ પીડિયાટ્રિક બ્રોન્કોસ્કોપી સર્જરી ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો અંદાજે ₹60,000 થી ₹70,000 જેટલો મોટો ખર્ચ થતો હોય છે. ગરીબ શ્રમજીવી પરિવાર માટે આ રકમ ચૂકવવી અશક્ય હતી. જોકે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આ સમગ્ર સારવાર અને સર્જરી તદ્દન વિનામૂલ્યે કરી આપવામાં આવતાં શ્રમિક પરિવાર માટે સિવિલના તબીબો સાચા અર્થમાં દેવદૂત સાબિત થયા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0