'બાળકોને ભણાવવાનું 5 મિનિટ મોડા શરૂ કરો':રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન; રાજ્યપાલની ટકોર, કહ્યું-'જીવન જીવવાની કળા શીખવો'

Sep 5, 2026 - 09:06
 0  1
'બાળકોને ભણાવવાનું 5 મિનિટ મોડા શરૂ કરો':રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન; રાજ્યપાલની ટકોર, કહ્યું-'જીવન જીવવાની કળા શીખવો'
શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026 સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રશસ્તિપત્ર અને સન્માન રાશિ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષકોને સંબોધતા કહ્યું હતું કે, 'બાળકોને ભણાવવાનું પાંચ મિનિટ મોડા શરૂ કરો, પરંતુ તેમને ધરતી પર કેવી રીતે રહેવું અને જીવન કેવી રીતે જીવવું તે શીખવો.' 'ગુરુનું કામ માત્ર ડિગ્રી આપવાનું નહીં, માનવ બનાવવાનું છે' રાજ્યપાલે ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવતા કહ્યું કે, ભારતમાં ગુરુનું સ્થાન પ્રાચીન સમયથી સર્વોચ્ચ રહ્યું છે. માતા બાળકને શરીરરૂપે જન્મ આપે છે, જ્યારે ગુરુ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જઈને તેને સાચા અર્થમાં માનવ બનાવે છે. આજે શિક્ષણમાં ભૌતિક સુવિધાઓ, ભવ્ય ઇમારતો અને ટેકનોલોજી પર ભાર વધી રહ્યો છે, પરંતુ માનવતા, સંસ્કાર, દયા, પરોપકાર અને માતા-પિતા તથા ગુરુ પ્રત્યેના સન્માન જેવા મૂલ્યો પણ એટલા જ જરૂરી છે. માત્ર ધન-દોલત અને ભૌતિક વિકાસથી વ્યક્તિને કાયમી સુખ મળી શકતું નથી. 'ટેકનોલોજીનું જ્ઞાન હોય, પણ નૈતિક મૂલ્યો ભૂલશો નહીં' આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, પ્રાચીન ભારત ખગોળવિજ્ઞાન અને ગણિત જેવા ક્ષેત્રોમાં વિશ્વમાં અગ્રેસર હતું. આજે ટેકનોલોજી અને વિજ્ઞાનનું જ્ઞાન જરૂરી છે, પરંતુ તેની સાથે આત્મજ્ઞાન અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ પણ અનિવાર્ય છે. તેમણે શિક્ષકોને ખાસ ટકોર કરતાં કહ્યું કે, દરરોજ વર્ગખંડમાં વિષયનું શિક્ષણ શરૂ કરતાં પહેલાં પાંચ મિનિટ બાળકોને જીવન જીવવાની કળા, દેશભક્તિ, સંસ્કાર અને માતા-પિતાની સેવા અંગે સમજ આપવી જોઈએ. 'શિક્ષક ચેતનાનો વિકાસ કરે છે' રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતમાં શિક્ષકોને યાદ અપાવ્યું કે, સમાજના અન્ય લોકો ભૌતિક વસ્તુઓનું નિર્માણ કરે છે, જ્યારે શિક્ષક જીવંત બાળકના ચેતનાનો વિકાસ કરીને તેને સાચો માનવ બનાવે છે. આવનારી પેઢીને ગુણવાન બનાવવી હોય તો પરિવાર, સમાજ અને રાષ્ટ્રને પણ ગુણવાન બનાવવું પડશે. તેથી શિક્ષકની જવાબદારી માત્ર પાઠ્યપુસ્તક પૂરતી નહીં, પરંતુ સંસ્કારી અને જવાબદાર નાગરિક ઘડવા સુધીની છે. 'શિક્ષક રાષ્ટ્રધર્મ નિભાવે છે': મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, શિક્ષક માત્ર વ્યવસાય નથી, પરંતુ રાષ્ટ્રધર્મ છે. શિક્ષક વ્યક્તિનું જીવન ઘડવાની સાથે રાષ્ટ્રનિર્માણનું મહત્વનું કાર્ય કરે છે. વર્ગખંડમાં બેઠેલો વિદ્યાર્થી ભવિષ્યમાં વૈજ્ઞાનિક, એન્જિનિયર અથવા દેશના મહત્વના હોદ્દા પર પહોંચશે, તેથી શિક્ષકની જવાબદારી ખૂબ મોટી છે. શિક્ષણની પરંપરાગત વિરાસત અને અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી શિક્ષણ વ્યવસ્થાને ભવિષ્ય માટે તૈયાર કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓ AI અને ડિજિટલ ટેકનોલોજીથી વિશ્વ સાથે જોડાયેલા છે, ત્યારે શિક્ષકોએ પણ સતત ટેકનોલોજીથી અપડેટ થવું જોઈએ અને તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ શીખવવો જોઈએ. તેમણે શિક્ષકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા સામર્થ્યવાન પેઢીના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું. 40 શિક્ષકોનું સન્માન સમારોહમાં રાજ્યના વિવિધ વિભાગ અને શૈક્ષણિક ક્ષેત્રમાંથી પસંદ થયેલા કુલ 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ઉપરાંત આચાર્ય અને BRC કેળવણી જેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષકોનો સમાવેશ થયો હતો. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ કહ્યું કે, શ્રેષ્ઠ શિક્ષક માત્ર ભણાવતો નથી, પરંતુ આવનારી પેઢીને પ્રેરણા પણ આપે છે. શિક્ષક બાળકમાં સંસ્કાર, ગુણવત્તા, કૌશલ્ય અને જિજ્ઞાસાનું સિંચન કરે છે. તેમણે કહ્યું કે આ સમારોહ માત્ર શિક્ષકોનો સત્કાર નહીં, પરંતુ જ્ઞાનનું સન્માન કરવાનો પવિત્ર પ્રયાસ છે. ચિત્ર શિક્ષકોની ભરતી અંગે મંત્રીનું નિવેદન સમારોહ દરમિયાન ચિત્ર અને સંગીત શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રીને સવાલ કરવામાં આવ્યો હતો. મંત્રીએ જણાવ્યું કે, શિક્ષકોની ભરતી અંગે સરકાર વિચારણા કરી રહી છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાશે. શિક્ષકોની ઘટ અંગે તેમણે ટૂંક સમયમાં વિદ્યાસહાયકોની ભરતી કરવાની વાત કરી હતી. જોકે, ચિત્ર શિક્ષકોની કાયમી ભરતીની માગણી કરતા શિક્ષકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. મહિસાગરના શિક્ષિકા ગાયત્રીબેન સોલંકીએ આક્ષેપ કર્યો કે ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી અને 11 મહિનાની કરાર આધારિત ફરજ બજાવતા શિક્ષકોને હજુ સુધી મહેનતાણું મળ્યું નથી. તેમની માગ છે કે અંશકાલીન ભરતી પ્રક્રિયા બંધ કરી ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અથવા કાયમી ભરતી ન થાય ત્યાં સુધી ‘ચિત્ર સહાયક’ની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0