30,000 વિદ્યાર્થીઓની નવરાત્રિ બગડશે:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચોથા નોરતાથી UG સેમેસ્ટર-5ની પરીક્ષાઓ જાહેર, છાત્રોમાં રોષની લાગણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જોકે તેમાં અંડર ગ્રેજ્યુએશન એટલે કે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા નવરાત્રિના તહેવાર દરમિયાન ગોઠવવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. UG સેમેસ્ટર-5 ના અંદાજે 30,000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા 14 ઓક્ટોબરથી એટલે કે ચોથા નોરતેથી શરૂ થઈ રહી છે જેથી આ કોલેજીયનોની આ વખતની નવરાત્રિ બગડી તેવું કહી શકાશે. ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા 23થી 26 સપ્ટેમ્બર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં UG (અંડર ગ્રેજ્યુએશન) સેમેસ્ટર-5ની વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાને લઈને મહત્વની તારીખો જાહેર કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ માટે નિયમિત ફી સાથે પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ 22 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ વિલંબિત ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા 23થી 26 સપ્ટેમ્બર અને ખાસ વિલંબિત ફી સાથે 28થી 30 સપ્ટેમ્બર સુધી રહેશે. વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા 14 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ અભ્યાસક્રમોમાં બી.એ., બી.કોમ., બીએસ.સી., બીએસ. સી.આઇટી, બીએસ. સી. એચ. એસ., બી.એ.આઈ.ડી., બી.બી.એ., બી. સી. એ., બી.પી.એ., બી. આર. એસ., બી. એસ. ડબલ્યુ, એલ. એલ. બી., બી. ડિઝાઇન, બી. એ. અને બી.કોમ. એક્સટર્નલ સેમેસ્ટર-5ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવનાર છે. આ ઉપરાંત બી. એસ. સી. એમ. એસ. સી. એ. પી.5,7,9, બી. એ. બી. એડ.5 અને 7, બી. એ. એલ. એલ. બી. આઈ. એન. ટી. સેમ.5,7,9 , બી. એચ. ટી. એમ.5 અને 7ની પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવરાત્રિ દરમિયાન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. ધીરેન પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ પરીક્ષા હોય છે પરંતુ આ વખતે પરસોતમ મહિનો હોવાને કારણે આ પરીક્ષા દરમિયાન નવરાત્રિ આવી રહી છે. 14 ઓક્ટોબરથી એટલે કે ચોથા નોરતેથી વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવાની છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા શેડ્યુલ મુજબ પરીક્ષા લેવાશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0