મોદી ઇરાનના રાષ્ટ્રપતિને મળતાં ટ્રમ્પને મરચાં લાગ્યાં!:ચૂંટણી પહેલા અમેરિકા બન્યું 'ફોઈબા', માર્કો રૂબિયોની ભારતને ધમકી; BRICS પહેલા મોટી બબાલ

Sep 3, 2026 - 00:17
 0  2
મોદી ઇરાનના રાષ્ટ્રપતિને મળતાં ટ્રમ્પને મરચાં લાગ્યાં!:ચૂંટણી પહેલા અમેરિકા બન્યું 'ફોઈબા', માર્કો રૂબિયોની ભારતને ધમકી; BRICS પહેલા મોટી બબાલ
પ્રધાનમંત્રી મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાન સાથે હાથ શું મિલાવ્યો અમેરિકાએ તો ભારતને બરબાદ કરી દેવાની ધમકી આપી દીધી. શું ભારતે અમેરિકા સામે બગાવત કરી છે? જો અમેરિકા ફરી પ્રતિબંધો લગાવે તો ભારતની કઈ વસ્તુઓ મોંઘી થઈ શકે? અને ટ્રમ્પને ભાજપની જેમ નામકરણ કરીને ફઈબા બનાવાનો ચસકો કેમ લાગ્યો? ચાલો તેના વિશે વિગતે વાત કરીએ... નમસ્કાર... આપણે બધા જ જાણીએ છીએ કે 31 ઓગસ્ટે કિર્ગિસ્તાનની રાજધાની બિસ્કેકમાં SCO મીટિંગ મળી હતી. પશ્ચિમી દેશોનું નાટો કે જી સેવન ગ્રુપ છે એવું જ આ ગેર-પશ્ચિમી દેશોનું એક મોટું સંગઠન છે. ને આ જ સમિટમાં એક મોટો બોમ્બ ફૂટ્યો. વાત કંઈક એવી છે કે પ્રધાનમંત્રી મોદી ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાનને મળ્યા. બસ, આ એક મુલાકાતના ફોટોએ અમેરિકાના પેટમાં એવું તેલ રેડ્યું કે વોશિંગ્ટનમાં બેઠેલા નેતાઓ ધૂઆંપૂઆં થઈ ગયા. હવે વાત કરીએ એવું તો શું બની ગયું છે તેની. ધ બ્રાઈન કલમેટ શોમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોને પૂછવામાં આવ્યું કે, મોદી અને પઝેશ્કિયાન મળ્યા છે તો બંને દેશો કોઈ ડિલ કરવાના છે? તમારું શું કહેવું છે? ત્યારે રૂબિયોએ કહ્યું... “મને નથી લાગતું કે ભારત અને ઈરાન વચ્ચે કોઈ વેપાર ડીલ થઈ રહી છે. દરેક દેશને પોતાની વિદેશ નીતિ નક્કી કરવાનો અધિકાર છે. દુનિયાના ઘણા દેશો ઈરાનની સરકાર સાથે વાત કરે છે. અમેરિકાએ પણ અનેક ઈરાની અધિકારીઓ સાથે કેટલાક મુદ્દાઓ પર વાત કરી છે. પરંતુ રાષ્ટ્રપતિનું કહેવું છે કે કોઈ પણ દેશે ઈરાનને અમેરિકાના પ્રતિબંધોથી બચવામાં મદદ ન કરવી જોઈએ. ઈરાનને પૈસા કમાવવાના એવા કોઈ રસ્તા ન બતાવવા જોઈએ, જેનાથી તે આતંકવાદને પ્રોત્સાહન આપી શકે અથવા પરમાણુ હથિયારો બનાવી શકે. જો કોઈ દેશ આવું કરશે, તો અમેરિકાને તે દેશ પર પ્રતિબંધો લગાવવા પડશે.” રૂબિયોએ ટ્રમ્પના ખભે ફોડી બંદૂક મતલબ કે, અમેરિકા સીધું કહી રહ્યું છે કે, અમારી લાઈનમાં ચાલો, નહીંતર તમને પણ બરબાદ કરી દઈશું. અને બીજી એક ખાસ વાત. ઉપર તમે વાંચ્યું એમાં ભારતની જે જે સારી વાતો હતી તે રૂબિયોએ પોતાની તરફથી કરી અને સેક્શન્સ નાખવાની વાત આવી તો વાત સીધી ટ્રમ્પ પર ઢોળી દીધી. પણ એક સવાલ થાય કે પાકિસ્તાને પણ તો બે અઠવાડિયા પહેલા જ ઈરાન સાથે મીટિંગ કરી હતી, ત્યારે અમેરિકાના મોઢામાં કેમ મગ ભરાઈ ગયા હતા? અને વાત ભારતની આવી તો તેમને કેમ આટલા મરચાં લાગે છે? ઈરાનને કંગાળ કરી દેવાનો અમેરિકન પ્લાન તો જવાબ છે અમેરિકાની એક પોલિસી જેનું નામ છે ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ. અમેરિકાએ ઈરાનનું આર્થિક ગળું દવાબી દેવા માચે 24 ઓગસ્ટે આ મિશન માથે લીધું છે. જેનો સીધો મતલબ છે કે ઈરાનને દુનિયામાં આર્થિક રીતે સાવ અછૂત કરી દેવું. અમેરિકાના ટ્રેજરી સચિવ સ્કોટ બેસેન્ટે આ કેમ્પેઈન લોન્ચ કર્યું છે. જેમાં કહેવાયું છે કે જો ઈરાન સાથેના સંબંધો નહીં કાપો તો અમેરિકા તમારી સામે નાણાકીય હિંસા કરશે. ઈરાન સાથનો વેવાર કોને પડ્યો ભારે? અને આ કોઈ હવામાં ઉભું કરેલું કેમ્પેન કે ધમકી નથી. આ ઓપરેશનની અસર ભારત પર થોડા સમય પહેલા જ પડી ગઈ છે. અમેરિકાએ ઈરાન સાથે 119 મિલિયન ડોલરનો પેટ્રોલિયમ વેપાર કરનાર સદાશિવા ઓવરસીઝ સહિત બીજી પણ ચારેક ભારતીય કંપનીઓ અને ત્રણ ભારતીય નાગરિકો પર બેન લગાવી દીધો છે. ટૂંકમાં અમેરિકા ખાલી ઈરાની ઓઈલ ખરીદનારા જ નહીં, પણ કસ્ટમ્સ બ્રોકર અને નાણાકીય લેવડદેવડ કરનારાઓને પણ ટાર્ગેટ કરી રહ્યું છે. અમે ભારત અને રશિયાને ગુમાવી દીધા: ટ્રમ્પ આ જોઈ કે સાંભલીને કોઈને પણ એવું લાગે કે ભારત હવે બીય જશે અને ઈરાનથી છેટું રહેશે. ટ્રમ્પે ગયા વર્ષે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એવું શુધ્ધા લખી નાખ્યું હતું કે, "અમે ભારત અને રશિયાને ગુમાવી દીધા છે, તેઓ ચીનના ખેમામાં જતા રહ્યા છે. તેમને શુભેચ્છાઓ" તો શું ખરેખર આવું જ છે જેવું અમેરિકા વિચારે છે અને ભારત પોતાની વિદેશ નીતિ બદલી નાખશે? જવાબ છે ના ભાઈ ના... ને આવું એટલા માટે કારણ કે હમણાં થોડા સમય પહેલા જ બિશ્કેકમાં મોદીએ ભારતની વિદેશ નીતિ સમજવા માટેની એક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, "ભારત ગાંધી અને બુદ્ધની ધરતીનો દેશ છે. અમે હંમેશા શાંતિના પક્ષમાં અને બધા સાથે સારા સંબંધો રાખીને હળી-મળીને રહેવામાં માનીએ છીએ." ભારત-ઈરાન બેઠકનો શું હતો એજન્ડા? મોદી અને પઝેશ્કિયાન સાથે મીટિંગ થઈ ત્યાર બાદ ભારતીય વિદેશ મંત્રાલયનું ઓફિશિયલ પ્રેસ રિપોર્ટ આવ્યો એમાં લખાયું છે તેનાથી સમજી શકાય છે કે ભારતે ઈરાન સાથે ભારતીય જહાજો અને નાવિકોની સુરક્ષા વિશે જ વાત કરી છે. ભારતે ઈરાન સાથે પશ્ચિમ એશિયાની શાંતિ વિશે વાત કરી છે. ભારતે કોઈ નવી ટ્રેડ ડિલ નથી કરી. અને ભારત અમેરિકા કે બીજા કોઈ દેશના કહેવાથી પોતાના સંબંધો કોઈ પણ દેશ સાથે નહીં બગાડે. યુદ્ધ પછી ઈરાન સાથે કેટલો વેપાર? ભારતની આ વાતને આપણે ઓફિશિયલ ડેટાથી સમજીએ. એક સમયે એટલે કે 2018-2019માં ભારત અને ઈરાન વચ્ચે 17 અબજ ડોલરનો વેપાર થતો હતો. પણ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એટલે કે 2025-2026માં આ વેપાર ઘટીને 1.63 અબજ ડોલર જ રહ્યો છે. લગભગ 90 ટકા જેટલો ઘટાડો ભારત અને ઈરાન વચ્ચેના વેપારમાં જોવા મળ્યો છે. સરકારથી સરકારનો વેપાર પણ લગભગ બંધ પડેલો છે. જે વેપાર થઈ રહ્યો છે તે ખાનગી કંપનીઓ કરી રહી છે. જો કે તેની આડી અસર દેશના વેપારીઓ પર પણ પડી. અત્યાર સુધીમાં આપણા વેપારીઓ વાયા દુબઈ થઈને ઈરાન સાથે ડિલ કરતા હતા પણ હવે યુએઈની બેંકોએ ઈરાન સાથે વેપાર અટકાવી દીધો છે. આ દુબઈ રૂટ બંધ થવાથી ભારતના 383 મિલિયન ડોલરના બાસમતી ચોખા અને 14.4 મિલિયન ડોલરની ચાની નિકાસ પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. 10 દિવસ પછી ભારતમાં ઈન્ટરનેશનલ બેઠક જો કે જ્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે ઠીક 10 દિવસ પછી એક મોટી ઈવેન્ટ ભારત માથે આવીને ઉભી રહી ગઈ છે. આજથી બરાબર 10 દિવસ પછી આપણે બ્રિક્સ દેશોની મીટિંગની લીડરશીપ કરવાના છીએ. આ એવું ઓર્ગેનાઈઝેશન છે જ્યાં ભારત, રશિયા અને ચીનનો દબદબો છે. આ સિવાય બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ પાર્ટનર છે. માટે ભારતને પોતાના બધા જ ડગલા ધ્યાન રાખીને ભરવા રહ્યા. SCO સમિટમાં પણ ભારતનો આ જ એટિટ્યૂડ રહ્યો. બધા સાથા સારા-સારી. જો ભારત આવું ન કરે તો વિદેશ નીતિમાં તેનું કદ ઘટે. એટલે જ ભારતને અત્યારે ફૂંકી ફૂંકીને છાસ પીવી પડી રહી છે. કેવી માનસિકતા સાથે અમેરિકા કરે છે કામ? અને હવે એક અલગ જ મુદ્દાની વાત કરી લઈએ. કારણ કે આપણે અમેરિકાની માનસિકતા પણ સમજવી પડશે. અને ઉપરથી આ વાતો તો તમને બીજે ક્યાંય સાંભળવા પણ નહીં મળે. વાત ભારતના પ્લાન બીની કરવી છે પણ એના પહેલા અમેરિકા અત્યારે કેવા નિર્ણયો અને કેવી માનસિકતા સાથે કામ કરે છે તે જાણી લઈએ. અત્યારે ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ ઓછી અને ટ્રમ્પ ફર્સ્ટની પોલિસી પર ચાલી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકામાં નવેમ્બરમાં મીડ ટર્મ ઇલેક્શન છે, ટ્રમ્પને ઈતિહાસમાં અમર થવું છે અને ચૂંટણી પણ જીતવી છે. એટલા માટે તેઓ ધમપછાડા કરી રહ્યા છે. ટ્રમ્પના મગજમાં હોડ લાગી છે જનતાના કામ કરવાને બદલે બ્રિજ, સ્ટેડિયમ કે રસ્તાઓના નામ બદલવાની. ટ્રમ્પ બન્યા 'ફઈબા' ટ્રમ્પે હમણા જ એક ઓર્ડર કાઢીને કેનેડા બોર્ડર પર આવેલ 400 વર્ષ જૂના લેક ઓન્ટારિયોનું રાતોરાત નામ બદલીને લેક અમેરિકા કરી નાખ્યું છે. આ એ જ આદિવાસી નામ છે જે અમેરિકાની આઝાદી પહેલાથી અસ્તિત્વમાં છે. અને વાત ખાલી એક તળાવ પૂરતી જ નથી. ગલ્ફ ઓફ મેક્સિકોને ગલ્ફ ઓફ અમેરિકા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટ્રમ્પ સ્ટ્રેટ, માઉન્ટ ડેનાલીને બદલે માઉન્ટ મેકકિન્લી, US-ઇન્ડો પેસિફિક કમાન્ડનું US પેસિફિક કમાન્ડ નામ બદલવાની વાતો કે બાલિશ નિર્ણયો પણ ટ્રમ્પ લઈ ચૂક્યા છે. અફવાઓ છે કે ટ્રમ્પને તો એટલાન્ટિંક અને પેસેફિક મહાસાગરના નામ પણ બદલાનો શૂરો છે. મોદીની 15 દેશોમાં ધડાધડ યાત્રા એટલા માટે જ મોદીએ છેલ્લા એક વર્ષમાં અચાનક ફરી પોતાની વિદેશ યાત્રાઓ વધારી દીધી છે. વર્ષ 2026માં પ્રધાનમંત્રીએ 15 જેટલા મોટા દેશોની મુલાકાત કરી છે જેમાંથી સાત મોટા દેશોની વાત કરીએ જે અમેરિકન ટેરિફથી બચાવી શકે તેવા છે... ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, UAE, નેધરલેન્ડ્સ, ઈટાલી, ઈઝરાયલ અને મલેશિયા. કારણ કે ભારત ટ્રમ્પના કોઈ તરંગી નિર્ણયોના ભરોસે બેસી રહેવા નથી માગતું, ભારત એ સાર્વભૌમિક દેશ છે. પોતાના નિર્ણયો જાતે લે છે. દિલ્લીથી ચાલશે ભારત, નહીં કે વોશિંગ્ટન તો વાર્તા સાવ ક્લિયર છે. ટ્રમ્પને ભલે કોઈ દેશ પર મનપડે એવા ઓપરેશન ચલાવવા હોય કે ડોલરની દાદાગીરી દેખાડવી હોય પણ ભારતની વિદેશ નીતિ તો દિલ્લીથી જ ચાલશે નહીં કે વોશિંગ્ટનના રિમોટ કન્ટ્રોલથી. અને છેલ્લે... ઈન્ટરનેશનલ જગતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભારત અને ચીનના સંબંધો સુધારવા માટે તૈયારીઓ થઈ રહી છે. શરૂઆત નાના અને ઓછા વિવાદિત મામલાથી થશે પણ તેમાં કોણ કેટલું નમતું જોખશે એ જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0