લીમડા ગામે વૃદ્ધા સાથે ઠગાઈ:"હું ભુવી છું, વિધિ કરી આપું" કહી ગઠિયા મહિલા સોનાના દાગીના અને રોકડ લઈ રફુચક્કર

Sep 13, 2026 - 17:06
 0  1
લીમડા ગામે વૃદ્ધા સાથે ઠગાઈ:"હું ભુવી છું, વિધિ કરી આપું" કહી ગઠિયા મહિલા સોનાના દાગીના અને રોકડ લઈ રફુચક્કર
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લીમડા ગામે એકલવાયા જીવન જીવતાં વૃદ્ધાને પોતાની વાતોની જાળમાં ફસાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમ પડાવી લેવાનો બનાવ સામે આવ્યો છે. ઘરે એકલા રહેલા 80 વર્ષીય વૃદ્ધા પાસે પહોંચેલી એક અજાણી મહિલાએ પોતે 'ભુવી' હોવાનું અને કોઈ પૈસા લીધા વિના જોવાનું કામ કરતી હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ દીકરાની સગાઈ અને ઘરમાંથી 'માયા' નીકળવાની લાલચ આપી વિધિના બહાને દાગીના અને રોકડ પડાવી મહિલા નાસી છૂટી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધાએ ઉમરાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. દીકરાની સગાઈ અને કંકુ પગલાં કરાવવાની લાલચ આપી મળતી વિગતો અનુસાર, લીમડા ગામની ઉગમણી પાટી, શરમાળિયા દાદાની દેરી પાસે રહેતા 80 વર્ષીય સવિતાબેન તળશીભાઈ લાઠીયા ગત તા. 11ના રોજ બપોરે બાર વાગ્યાના સુમારે ઘરે એકલા હતા ત્યારે એક અજાણી સ્ત્રી તેમના ઘરે આવી પહોંચી હતી અને કહ્યું હતું કે, "હું ભુવી છું, જોવાનું કામ કરું છું અને જોવાના પૈસા લેતી નથી, જો વસ્તુ કે પૈસા લઉં તો મને ગાયની માટી ખપે." આટલું કહી પરિવારની માહિતી મેળવી લીધી હતી. વૃદ્ધાએ પોતાના નાના દીકરાની હજુ સગાઈ થઈ નથી તેવી વાત કરતાં જ મહિલાએ કહ્યું કે, "હું કહું તે વિધિ કરો, ઘરમાં કંકુ પગલાં પડશે અને ઘરેથી માયા નીકળશે." સાડીના છેડે દાગીના-રોકડનું પોટકું વાળ્યું ઠગ મહિલાએ વૃદ્ધાને ભોળવી પોતાની સાડીનો છેડો પાથરી તેમાં થોડું મીઠું, ₹2,500 રોકડા અને સોનું નાખવા જણાવ્યું હતું. વૃદ્ધાએ વિશ્વાસમાં આવી રોકડ રકમ તેમજ કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની જોડ અને ગળામાંથી સોનાની સર કાઢીને મૂકી દીધા હતા. મહિલાએ છેડે પોટકું વાળી લીધું અને કહ્યું કે, "હું બે વાગ્યે વિધિ કરીને આવું છું, તમે મને ત્રણ વાર 'વયજા વયજા' કહો." વૃદ્ધાએ તેમ કહેતાં જ મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી, પરંતુ લાંબો સમય વીતવા છતાં પરત ન ફરતાં પોતે છેતરાયા હોવાનું માલૂમ પડ્યું હતું. ગઠિયા મહિલાની શોધખોળ તેજ આ અજાણી મહિલા વૃદ્ધાના ₹20,000ની કિંમતના સોનાના દાગીના અને ₹2,500 રોકડા મળી કુલ ₹22,500 નો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગઈ હતી. વૃદ્ધા સવિતાબેનની ફરિયાદના આધારે ઉમરાળા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ BNSની કલમ-316(2) હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધી, ગામ તથા આસપાસના CCTVના આધારે આરોપી મહિલાનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0