આંગણવાડીની દેખરેખ માટે દરેક કેન્દ્ર પર 7 સભ્યોની કમિટી બનશે:માતાઓ, આશાવર્કર, આંગણવાડી કાર્યકર અને મહિલા શિક્ષિકા જોડાશે

Sep 19, 2026 - 02:29
 0  1
આંગણવાડીની દેખરેખ માટે દરેક કેન્દ્ર પર 7 સભ્યોની કમિટી બનશે:માતાઓ, આશાવર્કર, આંગણવાડી કાર્યકર અને મહિલા શિક્ષિકા જોડાશે
‘મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0’ને ગુજરાતમાં વધુ અસરકારક બનાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી મૅનેજમેન્ટ કમિટી (AMC) રચાશે. ખાસ વાત એ છે કે કમિટીના તમામ સભ્યો મહિલાઓ હશે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ 0થી 6 વર્ષનાં બાળકોમાં કુપોષણ અને વિકાસાત્મક વિલંબ ઘટાડવા ઉપરાંત પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળ શિક્ષણની સેવાઓની ગુણવત્તા સુધારવાનો છે. કમિટીમાં કોણ-કોણ હશે? દરેક આંગણવાડી માટે સંબંધિત CDPO દ્વારા કમિટી બનાવાશે. તેમાં કુલ 7 સભ્યો રહેશે. સંબંધિત મહિલા સુપરવાઈઝર અધ્યક્ષ, આંગણવાડી કાર્યકર સભ્ય-સચિવ રહેશે. ઉપરાંત 1 આશા કાર્યકર, આંગણવાડીમાં નોંધાયેલા 3થી 6 વર્ષનાં બાળકોની 2 માતા, સ્થાનિક SHG/NGO/CSOની 1 મહિલા સભ્ય અને નજીકની સરકારી પ્રાથમિક શાળાની 1 મહિલા શિક્ષિકા કમિટીમાં સામેલ થશે. દર બે મહિને આંગણવાડીની કામગીરીનું ચેકિંગ AMCની દર બે મહિને બેઠક યોજાશે, તેમાં આંગણવાડીનું નિયમિત સંચાલન, બાળકોને મળતી સેવાઓ, પોષણ આહાર, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓની સમીક્ષા કરાશે. આંગણવાડી ભવન, પીવાનું પાણી, શૌચાલય, રસોડું, સ્ટોરેજ, ફર્નિચર, સાધનો અને Teaching Learning Material સહિતની સુવિધાઓ પણ તપાસાશે. કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ કમિટી 0થી 6 વર્ષનાં બાળકોનું ગ્રોથ મોનિટરિંગ, 0થી 3 વર્ષનાં બાળકોના વિકાસાત્મક તબક્કા, આરોગ્ય તપાસ, કુપોષિત બાળકોની ઓળખ અને રેફરલ બાદના ફોલોઅપની સમીક્ષા કરશે. કોઈ પાત્ર બાળક કે સગર્ભા-ધાત્રી માતા આંગણવાડીની સેવાથી વંચિત ન રહે તે માટે પણ કમિટી કામગીરી કરશે. મેનુથી લઈને ભોજનની ગુણવત્તા સુધી ચેકિંગ પૂરક પોષણ આહારનું વિતરણ, ભોજનની ગુણવત્તા, તાજગી, સ્વચ્છતા અને નક્કી કરાયેલા પોષણ ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની પણ સમીક્ષા થશે. THR, HCM અને અન્ય પોષણ સેવાઓની સ્થિતિ પણ બેઠકમાં તપાસવામાં આવશે. પૂર્વ-પ્રાથમિક પ્રવૃત્તિઓ નિયમિત થાય છે કે નહીં તેની તપાસ બાળકોના પ્રારંભિક શિક્ષણ માટે ‘આધારશિલા’ મુજબની પૂર્વ-પ્રાથમિક પ્રવૃત્તિઓ નિયમિત થાય છે કે નહીં તેની પણ કમિટી તપાસ કરશે. અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિ, બાળ દિવસની થીમ મુજબની પ્રવૃત્તિ અને બાળકોના સર્વાંગી વિકાસના રેકોર્ડની પણ સમીક્ષા થશે. ન્યુટ્રી-ગાર્ડનને વિકસાવવા પ્રયાસ પંચાયત અને શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સહયોગથી પોષણ વાટિકા (ન્યુટ્રી-ગાર્ડન) વિકસાવવા પ્રયાસ થશે. વાલીઓ, સ્વયંસેવકો, NGO, CSR અને અન્ય સંસ્થાઓને રમકડાં, શિક્ષણ સામગ્રી, કપડાં અને અન્ય જરૂરી સંસાધનો માટે સહયોગ આપવા પ્રોત્સાહિત કરાશે. 4 સભ્યોની હાજરી ફરજિયાત, CDPO કામગીરીની સમીક્ષા કરશે 7 સભ્યોની કમિટી માટે ઓછામાં ઓછા 4 સભ્યોની હાજરી ફરજિયાત રહેશે. તેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની હાજરી જરૂરી રહેશે. બેઠકના નિર્ણયો અને અનુપાલનની વિગતો નોંધવામાં આવશે અને 7 દિવસમાં CDPOને કાર્યવાહી રજૂ કરવાની રહેશે. CDPO વર્ષમાં ઓછામાં ઓછા 2 વખત દરેક કમિટીની કામગીરીની સમીક્ષા કરશે. આ નિર્ણયથી આંગણવાડી કેન્દ્રોની કામગીરીમાં માતાઓ અને સ્થાનિક સમુદાયની સીધી ભાગીદારી વધશે. સરકારના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણના પ્રયાસો સાથે સ્થાનિક સ્તરની દેખરેખ જોડાતા આંગણવાડી વ્યવસ્થાને વધુ પારદર્શક, જવાબદાર અને બાળકેન્દ્રિત બનાવવાનો પ્રયાસ થશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0