સિટી એન્કર:મધ્ય રેલવેના બધા સ્ટેશનમાં પ્રવાસીઓને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ
પીવાના પાણીની ગુણવત્તા બાબતે કેગના અહેવાલ બાદ કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી તથા રેલવે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ આ બાબતે વિગતવાર કયાસ કાઢ્યો હતો. પ્રવાસીઓને પીવાનું સુરક્ષિત પાણી મળે એ માટે સંપૂર્ણ ભારતીય રેલવેમાં તરત સુધારા કરતી ઉપાયયોજના કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રેલવે બોર્ડના નિર્દેશનું પાલન કરતા, મધ્ય રેલવેએ પોતાના નેટવર્કમાં પાણી પુરવઠો, ગળણીની પ્રક્રિયા, ચકાસણી અને દેખરેખ વ્યવસ્થા મજબૂત કરવા યુદ્ધના ધોરણે ઉપાયયોજના શરૂ કરી છે. રેલવે નેટવર્કમાં લગભગ 20 હજાર ઠેકાણે નવી ગળણ યંત્રણા લગાડવામાં આવશે. એમાં વોટર કૂલર્સ અને પાણીની ગુણવત્તા પર દેખરેખ રાખતી યંત્રણાનો સમાવેશ હશે. મધ્ય રેલવે દ્વારા સ્ટેશન, કોચિંગ ડેપો અને પ્રવાસીઓ સાથે સંબંધિત બીજા ઠેકાણા પર એની અમલબજાવણી ઝડપી કરવામાં આવશે. સ્વચ્છતા અને પાણીની ગુણવત્તા સુધારવા જૂની અને જર્જરિત થયેલી ટાંકીઓ તબક્કાવાર બદલવા એની ઓળખ નિશ્ચિત કરવામાં આવી રહી છે. પાણીના સ્ત્રોત અને નળના ઠેકાણે પાણીની ગુણવત્તા તપાસવી, કેન્દ્રિકૃત દેખરેખ અને જવાબદારી નિશ્ચિત કરવી તથા ટાંકીઓની નિયોજિત સફાઈ અને દેખભાળ કરવી જેવી બાબતોની ચુસ્તતાથી અમલબજાવણી કરવામાં આવી રહી છે. 2023-24ના સમયગાળામાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ભિવંડી રોડ, કલ્યાણ અને લોનાવલા ખાતેથી લીધેલા પીવાના પાણીના નમૂના બાબતે કેગે કરેલા નિરીક્ષણને ધ્યાનમાં લેતા મધ્ય રેલવેએ સર્વસમાવેશક સુધારાવાદી અને પ્રતિબંધાત્મક ઉપાયયોજના હાથમાં લીધી છે. એક વિશેષ ઝુંબેશ દરમિયાન આ ચારેય સ્ટેશનમાં લીધેલા પાણીના નમૂનાની ભૌતિક, રાસાયણિક અને જીવાણુ ટેસ્ટ કરવામાં આવી. તમામ નમૂના સંતોષજનક જણાયા છે અને એમાં ઈ-કોલાય અથવા બીજા કોઈ પણ પ્રકારના વાયરસ મળ્યા નથી. ટેસ્ટમાં શું મળ્યું?- વિશેષ ઝુંબેશ અંતર્ગત કરેલી લેટેસ્ટ ટેસ્ટના આધારે સીએસએમટી, ભિવંડી રોડ, કલ્યાણ અને લોનાવલા ખાતે પ્રવાસીઓને અત્યારે પૂરું પાડવામાં આવતું પાણી સુરક્ષિત અને પીવા યોગ્ય જણાયું છે. આ ઉપાયયોજના પર રેલવે બોર્ડના સ્તરે સર્વોચ્ચ અગ્રતાથી દેખરેખ રાખવામાં આવી રહી છે. પારદર્શકતા અને જવાબદારી નિશ્ચિત કરવા પ્રગતિ અને પાણીની ગુણવત્તાનો અહેવાલ સમયાંતરે જાહેર કરવામાં આવશે. આ ઉપક્રમ એટલે કેગના નિરીક્ષણ પર કાર્યવાહી કરવા અને પ્રવાસીઓને સુવિધા તથા એકંદરે પ્રવાસનો અનુભવ વધુ સુધારવા ભારતીય રેલવેએ હાથમાં લીધેલી વ્યાપક ઝુંબેશનો એક ભાગ છે. બીજી ઉપાયયોજનાઓ
ચારેય સ્ટેશનમાં પાણી પુરવઠો કરતી પાઈપલાઈનમાં ગળતર છે કે નહીં એની સંપૂર્ણ તપાસ થઈ. વેંટ્સ અને ઓવરફ્લો યંત્રણા પર જાળી સહિત ઢાંકણા લગાડવામાં આવ્યા. વોટરકૂલર્સની તપાસ અને સફાઈ, તેમ જ એમાં સચવાયેલી ગંદકી દૂર કરવામાં આવી. ગળતર થતા હોય એવા નળ બદલવામાં આવ્યા. જ્યાં નળ નથી ત્યાં નવા નળ લગાડવામાં આવ્યા. નિયમિત ટેસ્ટ માટે સંબંધિત ઈન્સ્પેક્ટર ઓફ વર્ક્સ કાર્યાલયમાં ઈ-કોલાય ટેસ્ટ કિટ ઉપલબ્ધ કરી આપવામાં આવી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0