સુરત શિક્ષણ સમિતિ ચૂંટણીમાં ભાજપના 12 સભ્ય બિનહરીફ વિજેતા બનશે:12ની જગ્યા સામે ભાજપે 14 નામની યાદી જાહેર કરી, છેલ્લી ઘડીએ 2 પક્ષપલટુના પત્તા કાપી સર્ટિફિકેટનું બહાનું ધર્યું

Sep 24, 2026 - 05:44
 0  1
સુરત શિક્ષણ સમિતિ ચૂંટણીમાં ભાજપના 12 સભ્ય બિનહરીફ વિજેતા બનશે:12ની જગ્યા સામે ભાજપે 14 નામની યાદી જાહેર કરી, છેલ્લી ઘડીએ 2 પક્ષપલટુના પત્તા કાપી સર્ટિફિકેટનું બહાનું ધર્યું
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું માળખું ઘણું મોટું છે, જેમાં 1000 કરોડનું બજેટ, 380 શાળા, 4500 શિક્ષકો અને 2 લાખ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સમિતિના 12 સભ્યોની ચૂંટણી યોજાવાની હતી. જોકે, પાલિકામાં આમ આદમી પાર્ટીના માત્ર 4 અને કોંગ્રેસનો 1 જ નગરસેવક હોવાથી વિપક્ષ પાસે પૂરતું સંખ્યાબળ નહોતું. હાર નિશ્ચિત હોવાથી વિપક્ષી પાર્ટીઓએ એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો ન હતો. પરિણામે, ભાજપે પોતાના 12 સભ્યો પાસે ફોર્મ ભરાવ્યા છે. જો વિપક્ષ એકાદ ઉમેદવાર ઊભો રાખત તો ચૂંટણી યોજાત, પરંતુ હવે 1લી ઓક્ટોબરે ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ મેયર દ્વારા ભાજપના આ તમામ 12 સભ્યોને સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે. ભાજપનો છબરડો: 12 જગ્યા સામે 14 નામની યાદી જાહેર કરી આ વખતે શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપે પોતાની જ આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. બુધવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને સમિતિમાં 12 સભ્યો ચૂંટવાના હતા. પરંતુ, આશ્ચર્યજનક રીતે શહેર ભાજપે હોશે-હોશે 14 નામોની યાદી જાહેર કરી દીધી હતી. આ યાદી બહાર આવતા જ ભારે માથાકૂટ શરૂ થઈ હતી કે છેલ્લી ઘડીએ કયા બે ઉમેદવારો પાસે ફોર્મ ન ભરાવવું. શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ પાલિકા કચેરીએ સતત ફોન પર સંપર્કમાં રહ્યા હતા અને છેવટે મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. શિક્ષણ સમિતિના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યો હોય તેવો આ ઐતિહાસિક ગોટાળો હતો. શિસ્તબદ્ધ પાર્ટીએ સરકાર નિયુક્ત સભ્યોના નામ પણ જાહેર કરી દીધા સામાન્ય રીતે રાજકીય શિષ્ટાચાર અને નિયમો અનુસાર, સરકાર દ્વારા નિયુક્ત થનારા સભ્યોના નામ પક્ષ દ્વારા ક્યારેય અગાઉથી જાહેર કરવામાં આવતા નથી. પરંતુ શિસ્તબદ્ધ ગણાતી ભાજપના નેતાઓને આ સામાન્ય નિયમનું પણ ભાન ન રહ્યું અને સરકારી સભ્યોના નામ પણ સંગઠનની યાદીમાં ઠોકી બેસાડ્યા. આ છબરડાને કારણે મનપાના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો હતો. સવારથી કોર્પોરેટરોને કાર્યાલયે બોલાવીને ટેકેદારોની વિગતો મંગાવવામાં આવી રહી હતી, પરંતુ 'લશ્કર કઈ દિશામાં લડી રહ્યું છે' તેની ખુદ સેનાપતિઓને જ ગતાગમ નહોતી. ભાજપની આ બિનઅનુભવી ટીમથી સ્થાનિક નેતાગીરીના મોં પર જાણે તમાચો પડ્યો છે. સર્ટિફિકેટના 'લંગડા બહાના' હેઠળ બે ઉમેદવારોની બાદબાકી યાદીમાં 14 નામ આવી ગયા બાદ આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. આખરે, ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે બળવો કરી તલવાર ખેંચનારા અને બાદમાં પક્ષપલટો કરીને આવેલા ધાર્મિક માલવિયા તેમજ પરમેશ્વર રાજપૂતના નામની છેલ્લી ઘડીએ બાદબાકી કરી દેવામાં આવી. શહેર ભાજપ પ્રમુખે આ બંને સિવાયના 12 ઉમેદવારો પાસે જ ફોર્મ ભરાવ્યા હતા. પોતાની આબરૂ બચાવવા માટે ભાજપે એવો લંગડો ખુલાસો કર્યો કે 'આ ઉમેદવારો પાસે જરૂરી સર્ટિફિકેટ ન હોવાને કારણે હાલ ફોર્મ ભરાયા નથી'. પરંતુ કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં આ બહાનું ગળે ઊતરી રહ્યું નથી. હવે આ બંને નેતાઓને સરકાર નિયુક્ત સભ્યમાં સામેલ કરાશે કે કાયમ માટે કપાશે તેને લઇને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જાણો ચૂંટાયેલા સભ્યોની શૈક્ષણિક લાયકાત 12 બેઠકો પર ચૂંટણી ન થતાં સભ્યોની નિમણૂક નિશ્ચિત બની છે, ત્યારે હવે અધ્યક્ષ (ચેરમેન) અને ખરીદ કમિટીના કન્વીનર જેવા ચાવીરૂપ હોદ્દાઓ મેળવવા માટે સભ્યોએ લોબિંગ શરૂ કરી દીધું છે. બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોની લાયકાત પર નજર કરીએ તો, મયુર વાઘેલા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા ધરાવે છે, કનુ અલગોતર અને શીલા તારપરા બી.એ. છે, જ્યારે મહેશ પટેલ બી.એ., બી.એડ. અને ડી.સી.એ. છે. આ ઉપરાંત પિયુષ લાકડાવાલા (બી.કોમ), કિરણ ઘોઘારી (બી.કોમ, એલએલબી), વિવેક પટેલ (મિકેનિકલ ડિપ્લોમા), દેવાંશી જોશી (પીજી ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન), અશોક માંગુકિયા અને રસિક પટેલ (ફાર્મસી ડિપ્લોમા), રાહુલ પાટીલ (બી.એ. એલએલબી) અને ધર્મિષ્ઠા પટેલ (બી.એ.)નો સમાવેશ થાય છે. 12 સભ્યો હોવાથી તમામને કોઈને કોઈ કમિટીમાં સમાવી લેવાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0