રાજકોટ 108ની ટીમ દેવદૂત બની:ટંકારાનાં રોહીશાળામાં કપરી કટોકટીનાં સમયે ત્વરિત કામગીરી કરતા ત્રણ નવજાતનો કિલકિલાટ ગુંજ્યો, માતા અને ત્રણેય શિશુઓ સુરક્ષિત

Sep 20, 2026 - 05:30
 0  1
રાજકોટ 108ની ટીમ દેવદૂત બની:ટંકારાનાં રોહીશાળામાં કપરી કટોકટીનાં સમયે ત્વરિત કામગીરી કરતા ત્રણ નવજાતનો કિલકિલાટ ગુંજ્યો, માતા અને ત્રણેય શિશુઓ સુરક્ષિત
રાજકોટ 108ની ટીમ ટંકારાના રોહિશાળા ગામે અંધારી રાતે દર્દથી પીડાતી એક માતા માટે સાક્ષાત દેવદૂત બનીને આવી અને જીવન - મરણ વચ્ચે ઝોલા ખાતી એ નાજુક પરિસ્થિતિમાં જ્યારે એકસાથે 3-3 નવજીવનનો ધબકાર સાંભળવાનો હતો, ત્યારે 108ના EMT જિગ્નાશા લુહાર અને પાઇલટ સુરેશભાઈએ પોતાની હિંમત, સંવેદનશીલતા અને કુશળતાથી એક અશક્ય લાગતા ચમત્કારને શક્ય કરીને બતાવ્યો હતો. યોગ્ય તબીબી માર્ગદર્શન અને કાળજી સાથે જ્યારે એક પછી એક ત્રણ સ્વસ્થ પુત્રોનો કિલકિલાટ ગુંજી ઊઠ્યો, ત્યારે માતાના આંખોમાંથી છલકાયેલા હર્ષના અશ્રુઓએ ઉપસ્થિત સૌ કોઈના દિલ સ્પર્શી લીધા. એક માતાનો ખોળો ત્રણ સુંદર પુત્રોથી ભરીને તેમને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવાની 108 ટીમની આ માનવીય કામગીરીને સૌએ બિરદાવી હતી. 108 ટીમ પહોંચી ત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર અને નાજુક હતી 19 સપ્ટેમ્બરની સાંજે 8.48 કલાકે રાજકોટ 108 ટીમને રોહિશાળા ખાતેથી પ્રસૂતિનો કૉલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને પડધરી ટીમના EMT જિગ્નાશા લુહાર અને Pilot સુરેશભાઈ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. ગામમાં રહેતા દર્દી નિરુબેન દિનેશભાઈ વાસકલાના ઘરે જ્યારે 108 ટીમ પહોંચી ત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર અને નાજુક હતી, કારણ કે એક બાળકનો જન્મ ઘરે જ થઈ ચૂક્યો હતો અને દર્દી ખૂબ જ પીડામાંથી પસાર થઈ રહ્યા હતા. ડોક્ટર સાથે ટેલિફોનિક સંપર્ક સાધીને સફળ ડિલિવરી કરાવી તબીબી દ્રષ્ટિએ ટ્રિપ્લેટ્સ એટલે કે એક જ પ્રસૂતિમાં 3 બાળકોનો જન્મ થવો અત્યંત દુર્લભ અને ઉચ્ચ જોખમ ધરાવતી પરિસ્થિતિ ગણાય છે. સામાન્ય પ્રસૂતિની તુલનામાં આવા કિસ્સાઓમાં માતા અને બાળકો બંનેના જીવનું જોખમ રહેલું હોય છે. જોકે, આવી કટોકટીની ક્ષણે EMT જિગ્નાશા લુહારે પોતાની ઉચ્ચ સ્તરની ક્લિનિકલ સ્કિલ, ધૈર્ય અને પ્રાપ્ત કરેલી તાલીમનો ઉત્કૃષ્ટ ઉપયોગ કર્યો હતો. તેમણે સમગ્ર પરિસ્થિતિને અત્યંત શાંતિ અને કુશળતાપૂર્વક સંભાળી હતી. આ ડિલિવરી દરમિયાન ERCP ડો. જ્યોત્સના મેડમ સાથે ટેલિફોનિક સંપર્ક સાધીને દર્દીની તમામ શારીરિક સ્થિતિ અને મહત્વપૂર્ણ વિગતો સતત શેર કરવામાં આવી હતી. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટ તબીબી સૂચના અને માર્ગદર્શન મુજબ ઘટનાસ્થળે જ જરૂરી પ્રોટોકોલ સાથે બાકી બે બાળકોની સુરક્ષિત અને સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. ત્રણેય પુત્રો અને માતાની સ્થિતિ સ્થિર આ અત્યંત દુર્લભ અને જટિલ પ્રસૂતિમાં નિરુબેને ત્રણ સ્વસ્થ પુત્રોને જન્મ આપ્યો હતો. ડિલિવરી પૂર્ણ થયા બાદ EMT જિગ્નાશા લુહારે નવજાત શિશુઓની વિશેષ સંભાળ રાખી હતી, જેમાં થર્મલ કેર, શ્વાસ લેવાની પ્રક્રિયાની તપાસ અને માતા માટે જરૂરી તબીબી સ્ટેબિલાઇઝેશન પ્રક્રિયાઓનો સમાવેશ થતો હતો. Pilot સુરેશભાઈએ પણ સ્થળ પર એમ્બ્યુલન્સની ઝડપી અને સુરક્ષિત હિલચાલ સાથે ઉત્તમ સહયોગ આપ્યો હતો. ત્રણેય પુત્રો અને માતાની સ્થિતિ સ્થિર કર્યા બાદ તેમને વધુ સુવિધાસભર સારવાર માટે અત્યંત કાળજીપૂર્વક જનાના હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યાંની તબીબી ટીમને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0