સત્ત્વવિકાસ સ્કૂલની 24મી વાર્ષિક જન્માષ્ટમીની ઉજવણી:‘યુગે યુગે કૃષ્ણ, યમુનાથી હોર્મુઝ સુધી’ થીમ સાથે પુરાણ અને વર્તમાન વચ્ચે અનોખો સેતુ રચાયો

Sep 3, 2026 - 00:17
 0  2
સત્ત્વવિકાસ સ્કૂલની 24મી વાર્ષિક જન્માષ્ટમીની ઉજવણી:‘યુગે યુગે કૃષ્ણ, યમુનાથી હોર્મુઝ સુધી’ થીમ સાથે પુરાણ અને વર્તમાન વચ્ચે અનોખો સેતુ રચાયો
સત્ત્વવિકાસ સ્કૂલની 24મી વાર્ષિક જન્માષ્ટમી ઉજવણીમાં આ વર્ષે ‘યુગે યુગે કૃષ્ણ,યમુનાથી હોર્મુઝ સુધી’ થીમ સાથે પુરાણ અને વર્તમાન વચ્ચે અનોખો સેતુ રચાયો હતો. વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષ, અશાંતિ અને અંધકાર વચ્ચે ભગવાન કૃષ્ણના હજારો વર્ષ જૂના સંદેશની આજના સમયમાં પ્રસ્તુતતાને વિદ્યાર્થીઓએ નાટ્યાત્મક રીતે રજૂ કરી હતી. એક તરફ શાંત વહેતી યમુના અને બીજી તરફ તણાવથી ધબકતો હોર્મુઝ, એક તરફ વાંસળીના મધુર સૂર અને બીજી તરફ વિશ્વના સંઘર્ષનો ઘોંઘાટ—આ વિરોધાભાસ દ્વારા વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો કે યુગ બદલાય તો શું કૃષ્ણનો સંદેશ પણ બદલાય? જન્માષ્ટમીની ઉજવણીમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આશરે 170 જેટલા પ્રોપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કૃષ્ણજન્મથી શરૂ થયેલી પ્રસ્તુતિમાં કંસનો અત્યાચાર, કાલિય નાગનું દમન, ગોવર્ધનધારણ અને માખણચોરી જેવા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. પ્રસ્તુતિમાં ‘કાલિય’ને માત્ર યમુનામાં રહેલા નાગ તરીકે નહીં, પરંતુ જ્યાં દ્વેષનું વિષ ફેલાય છે ત્યાં રહેલા અંધકારના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, જ્યાં કરુણા અન્યાય સામે ઊભી થાય, સાહસ ભયને હરાવે, સહભાગિતા સ્વાર્થને ઓગાળે અને ધર્મ અંધકારમાં પ્રકાશ બને—ત્યાં કૃષ્ણના વિચારો ફરી જન્મે છે તે સંદેશ આપવામાં આવ્યો હતો. ઉજવણી દરમિયાન શાળાના શિક્ષણમૂલ્યોની ઝલક પણ જોવા મળી હતી. કરુણા, સહભાગિતા, સત્યનિષ્ઠા, ધર્મપરાયણતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ જેવા મૂલ્યોને વિદ્યાર્થીઓની રજૂઆત દ્વારા ઉજાગર કરવામાં આવ્યા હતા. અંતે મટકી ફોડના ઉત્સાહભર્યા કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ આનંદ અને ઉલ્લાસથી છલકાઈ ઊઠ્યું હતું. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ સંદેશ આપ્યો કે કૃષ્ણ એટલે જીવનમાં સંતુલન, સંકટમાં સાહસ, સંબંધોમાં પ્રેમ, કર્મમાં નિષ્ઠા અને અંધકાર વચ્ચે પ્રકાશ શોધવાની અખૂટ શક્તિ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0